ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ દરિયાકિનારે એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી. દરિયામાં બોટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે બોટમાં સવાર 8 લોકો દરિયાના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને સમયસૂચકતા વાપરીને 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જોકે, એક યુવક દરિયાના વહેણમાં ગુમ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

SDRF અને તંત્ર દ્વારા ત્રીજા દિવસ સુધી સર્ચ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ જંબુસર મામલતદાર સહિત સ્થાનિક સરકારી તંત્ર અને એસ.ડી.આર.એફ. (SDRF) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. SDRF ની ટીમ દ્વારા દરિયાના ઊંડા પાણીમાં સતત બે-ત્રણ દિવસ સુધી સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત ત્રીજા દિવસે દરિયામાં શોધખોળ દરમિયાન લાપતા થયેલા યુવકની ડેડ બોડી મળી આવી હતી, જે બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સારોદ ગામના યુવકનો મૃતદેહ મળતાં પરિવારમાં માતમ

દરિયામાંથી મળી આવેલો મૃતદેહ જંબુસરના સારોદ ગામના વતની અક્ષય કરસન વાઘેલા નામના યુવકનો હોવાની ઓળખ થઈ હતી. યુવકનો મૃતદેહ મળી આવતાં જ તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર સારોદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને બનાવ અંગે આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો