ગુજરાત સરકારની પ્રજાકલ્યાણકારી યોજનાઓ થકી ગ્રામીણ અને ગરીબ પરિવારોના જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ કોરા ગામમાંથી એક આનંદદાયક અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારની ‘હળપતિ આવાસ યોજના’ અંતર્ગત નિર્માણ પામેલા 38 નવનિર્મિત પાકા ઘરોનો ભવ્ય ગૃહપ્રવેશ સમારોહ યોજાયો હતો. નવરાત્રિના પાવન અવસરે જ પોતાના ડ્રીમ હોમમાં પ્રવેશ મળતાં લાભાર્થી પરિવારોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો.
રવિવારે સાંજે 4:30 કલાકે યોજાયો મહોત્સવ
જંબુસર તાલુકાના કોરા ખાતે રવિવારે સાંજે 4:30 કલાકે આ વિશેષ ગૃહપ્રવેશ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી પોતાના પાકા ઘરનું સ્વપ્ન સેવી રહેલા 38 પરિવારો માટે આ દિવસ નવી આશા, સુરક્ષા અને એક નવી શરૂઆતનો સંદેશ લઈને આવ્યો હતો. પોતાના ઘરના આંગણે પૂજા-અર્ચના સાથે નવી જિંદગીની શરૂઆત કરતા પરિવારોના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે છલકાતી હતી.

જરૂરિયાતમંદ પરિવારોનું જીવનધોરણ સુધારવાનો હેતુ
રાજ્ય સરકારની હળપતિ આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, સમાજના વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોને સુરક્ષિત તથા પાકું છત પૂરું પાડી તેમના જીવનધોરણમાં સકારાત્મક સુધારો લાવવો. કાચા કે અસ્થાયી મકાનમાં રહેતા લોકોને પાકા ઘર મળવાથી તેમની સામાજિક અને આર્થિક સુરક્ષામાં વધારો થાય છે.

રાજકીય અને સામાજિક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ પાવન પ્રસંગે જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયતના દંડક મહેશભાઈ રાઠોડ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, કોરા ગામના સરપંચ ભાવિકાબેન ગોહિલ તેમજ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણ સહિત બંને તાલુકાના અનેક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લાભાર્થી પરિવારોને ઘરની ચાવી સોંપીને નવા જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Bharuch News: ACની આડમાં વિદેશી દારૂની હેરાફેરી! SMCએ જપ્ત કર્યો 1.25 કરોડનો મુદ્દામાલ