ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં રાજપીપલાથી અંકલેશ્વર તરફ જતા રોડ પર ઝઘડિયા ચોકડી નજીક એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઝઘડિયા ચોકડી પર હાઈવા ટ્રક અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ જીવલેણ અકસ્માતમાં એક્ટિવા સવાર એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેના મૃતદેહ હાઈવા ટ્રકની નીચે ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અકસ્માતને પગલે રોડ પર સર્જાયો ટ્રાફિક જામ
આ ગંભીર દુર્ઘટનાને કારણે રાજપીપલા-અંકલેશ્વર રોડ પર વાહનોની અવરજવર પર અસર પડી હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અચાનક સર્જાયેલા આ અકસ્માત અને ટ્રાફિક જામના કારણે માર્ગ પર પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
