ભરૂચ શહેરમાંથી ST બસની લાપરવાહી અને ટેકનિકલ ખામીને કારણે સર્જાયેલી એક ગંભીર ઘટના સામે આવી છે. ભરૂચ શહેરના અત્યંત વ્યસ્ત અને ગીચતાવાળા વિસ્તાર ગણાતી ભરૂચ નગરપાલિકા નજીક ST બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક પરનો કાબૂ ગુમાવતા બસે રસ્તા પર અને શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરેલા અંદાજે 3થી 4 જેટલા ટુ-વ્હીલર વાહનોને પોતાની અડફેટે લીધા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભય અને નાસભાગ મચી ગઈ હતી.
ખરીદી કરવા ગયેલા ગ્રાહકોના વાહનોને નુકસાન
પ્રાપ્ત વિગતો અનુસાર નગરપાલિકા પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા માટે આવેલા નાગરિકોએ પોતાના વાહનો બહાર પાર્ક કર્યા હતા. તે જ સમયે પૂરપાટ આવી રહેલી ST બસની બ્રેક ફેઈલ થતાં તેણે આ વાહનોને કચડી નાખ્યા હતા. સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા આ ભરચક વિસ્તારમાં અચાનક અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોતા લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતા.
