ભરૂચના દહેજ ખાતે રાજ્યમાં નશાકારક પદાર્થો સામેની ઝુંબેશ અંતર્ગત એક મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં દહેજની BEIL (ભરૂચ એન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) ખાતે જપ્ત કરાયેલા નશીલા પદાર્થોના નાશની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 1,095 NDPS કેસોમાં જપ્ત કરાયેલ 3,900 કિલોગ્રામ જેટલો નાર્કોટિક્સનો જથ્થો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂપિયા 2,153 કરોડ જેટલી થાય છે.
16 પોલીસ યુનિટોની હાજરીમાં વિમોચન અને
આ સમગ્ર નિકાલ પ્રક્રિયા લાકડિયા, ભચાઉ અને ભરૂચ સહિતની કુલ ૧૬ પોલીસ યુનિટોની સઘન હાજરીમાં પાર પાડવામાં આવી હતી. આ પ્રસંગે GACL (ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી દ્વારા 'NDPS હેન્ડબુક'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક બસ્ટ કરનાર અને સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા બાતમીદારોને 'ડ્રગ્સ રિવોર્ડ પોલિસી' હેઠળ પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
