ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાનોલી GIDC વિસ્તારમાં આવેલા બાકરોલ બ્રિજ નજીકના સર્વિસ રોડ પાસે ખુલ્લા ખેતરમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી જ ગેરકાયદે પ્રવૃત્તિ રંગેહાથ પકડી પાડી હતી.
બે હાઇવા ટ્રકના ડ્રાઇવરોની અટકાયત
પોલીસે દરોડા દરમિયાન કેમિકલ યુક્ત ઝેરી વેસ્ટ ખાલી કરી રહેલા બે હાઇવા ટ્રક જપ્ત કર્યા છે. આ સાથે જ ઘટનાસ્થળેથી બે ડ્રાઇવર ઝકરિયા ફારૂક પટેલ અને નરેશ ઉર્ફે હીરા વસાવાની અટકાયત કરવામાં આવી છે. પાનોલી GIDC ની ફેક્ટરીઓમાંથી નીકળતો આ જોખમી વેસ્ટ ખુલ્લામાં ઠાલવીને સ્થાનિક જમીન અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
