ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી હોટલો અને ખાનપાનના સ્થળો પર તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા પ્રાંત અધિકારી સહિતની સંયુક્ત ટીમે સરપ્રાઇઝ દરોડા પાડ્યા હતા. ચેકિંગ દરમિયાન હોટલોમાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.
રાજપારડીની 'સ્વાગત હોટલ'ને ક્લોઝર નોટિસ
તપાસ દરમિયાન ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલી 'સ્વાગત હોટલ'માં ભારે અસ્વચ્છતા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી એવી આ સ્થિતિને ધ્યાને રાખીને પ્રાંત અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું. હોટલ સંચાલકની ગંભીર બેદરકારી બદલ સ્વાગત હોટલને કામગીરી બંધ કરવા માટેની 'ક્લોઝર નોટિસ' ફટકારવામાં આવી હતી.
