ભાવનગરની સર ટી. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવતાં જ તબીબી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારની માત્ર 40 દિવસની માસૂમ બાળકી અને બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામની 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. બંને માસૂમ બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમની ગંભીરતાથી સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
સેમ્પલ ચકાસણી અર્થે GBRC લેબોરેટરીમાં મોકલાયા
સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બંને બાળકીઓની પ્રાથમિક સારવારની સાથે વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવા માટે તેમના લોહી અને અન્ય જરૂરી સેમ્પલો મેળવવામાં આવ્યા છે. આ સેમ્પલને વધુ સચોટ ચકાસણી અને લેબોરેટરી ટેસ્ટિંગ અર્થે ગાંધીનગર સ્થિત જીબીઆરસી (GBRC) ખાતે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસ અંગેની આખરી સ્થિતિ સ્પષ્ટ થશે. હાલમાં બંને બાળકોને તબીબોની સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
