ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસાંતે વધી રહ્યો છે, જેનો તાજો કિસ્સો કુંભારવાડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. કુંભારવાડા માઢીયા રોડ પર આવેલા પંપિંગ સ્ટેશન પાસે એક યુવક પર ચાર જેટલા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. અસામાજિક પ્રવૃત્તિઓનો વિરોધ કરવા જેવી સામાન્ય બાબતમાં યુવકને નિશાન બનાવવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

દારૂ-ગાંજો પીવાની ના પાડવાની દાઝ રાખી માર્યો માર 

મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત યુવકે અગાઉ આ વિસ્તારમાં કેટલાક શખ્સોને દારૂ અને ગાંજો પીવાની ના પાડી હતી. આ બાબતની અદાવત અને દાઝ રાખીને ચાર હુમલાખોરોએ યુવકને એકલો જોઈને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ ધોકા, લોખંડની પાઇપ અને ઢીકા-પાટા વડે યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં હુમલાખોરોની ગુંડાગર્દી સ્પષ્ટ જોઈ શકાય છે.

ગંભીર ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ જીવલેણ હુમલામાં યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા આ મામલે ગુનો નોંધીને પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે ચારેય ફરાર હુમલાખોરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો