ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના કરોડો રૂપિયાના ચકચારી હેકિંગ કેસમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા ઓપરેશન 'મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત વધુ ચાર રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી બેંક ખાતાઓ હેક કરીને કરોડો રૂપિયા અન્ય બોગસ ખાતાઓમાં ડાયવર્ટ કરવાનું સુનિયોજિત નેટવર્ક ચલાવતી હતી. આ ઓપરેશન દ્વારા પોલીસે ડિજિટલ ફ્રોડ કરનારા આંતરરાજ્ય નેટવર્કની કમર તોડી નાખી છે.
મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા કરોડો રૂપિયા ડાયવર્ટ કર્યા
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ ડિજિટલ મની લોન્ડરિંગ અને 'મ્યુલ એકાઉન્ટ્સ' (ભાડાના ખાતાઓ) હેન્ડલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. આ ભેજાબાજો સામાન્ય અને ગરીબ લોકોના દસ્તાવેજો મેળવી, કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. બેંક હેક કરીને ચોરી કરાયેલી કરોડોની રકમને ગણતરીની મિનિટોમાં જ આ શંકાસ્પદ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી, જેથી મુખ્ય સૂત્રધારો સુધી સરળતાથી પહોંચી ન શકાય. આ નાણાંને પાછળથી ક્રિપ્ટોકરન્સીમાં બદલીને સગેવગે કરાતા હતા.
