ભાવનગર જિલ્લાના વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજોના ભંગાણ દરમિયાન દરિયાઈ પર્યાવરણ અને જળચરોની સુરક્ષાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતી કંપાનીઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

અલંગમાં GPCB દ્વારા કાર્યવાહી

મળતી વિગતો અનુસાર, અલંગના પ્લોટ નંબર 88 ખાતે શિપ બ્રેકિંગની કામગીરી દરમિયાન મોટી માત્રામાં જોખમી 'પર્લાઇટ પાવડર' દરિયાના પાણીમાં વહાવી દેવામાં આવ્યો હતો. આ પાવડર પાણીમાં ભળવાના કારણે દરિયાની સપાટી પર દૂર-દૂર સુધી સફેદ ચાદર છવાઈ ગઈ હતી, જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું હતું.

સુખદેવસિંહ ગોહિલની ફરિયાદ પર ત્વરિત એક્શન

દરિયાઈ પર્યાવરણને પહોંચી રહેલા આ ગંભીર નુકસાન અંગે સામાજિક/પર્યાવરણ અગ્રણી સુખદેવસિંહ ગોહિલ દ્વારા આધારભૂત પુરાવાઓ સાથે GPCB ના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને જીપીસીબીની ટીમે સ્થળ તપાસ કરી હતી. તપાસમાં ગંભીર ખામીઓ અને નિયમભંગ જણાતાં GPCB એ દાખલો બેસાડતાં પ્લોટ નંબર 88 ના માલિકને તાત્કાલિક કામગીરી બંધ કરવાની 'ક્લોઝર નોટિસ' આપીને રૂ. ૨૫ લાખનો આકરો પર્યાવરણીય દંડ ફટકાર્યો છે.

શિપબ્રેકરોમાં ખળભળાટ અને પર્યાવરણ બચાવવા અપીલ

GPCB ની આ આકરી કાર્યવાહીને પગલે અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્લોટધારકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વારંવાર દરિયામાં કેમિકલ કે જોખમી પાવડર છોડવાના કારણે સ્થાનિક દરિયાઈ પર્યાવરણ નાશ પામી રહ્યું છે. આ મામલે આકરા પગલાં ભરાવનાર સુખદેવસિંહ ગોહિલે તમામ શિપબ્રેકરો અને સ્થાનિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, "સ્થાનિક લોકો અને શિપબ્રેકરોએ માત્ર ટૂંકા ગાળાના નફા માટે પર્યાવરણ વિરુદ્ધની કામગીરી ન કરવી જોઈએ. આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સમુદ્રી પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી છે, જેથી દરેક પ્લોટધારકે નિયમોનું કડક પાલન કરવું જ પડશે."

આ પણ વાંચો: Surat: 31 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી, જોખમી હોર્ડિંગ્સ હટાવાયા, સ્થળાંતર શરૂ