ભાવનગર તાલુકાના બુધેલ ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે ક્ષુલ્લક બાબતે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. જૂના મનદુઃખ કે સ્થાનિક વિવાદને કારણે બંને પક્ષના લોકો લાકડીઓ, ધોકા, બેટ અને તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ લોહિયાળ અથડામણમાં મહિલાઓ અને યુવકો પણ સામસામે આવી જતાં ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

ધોકા-બેટ વડે થયેલી હિંસક મારપીટનો વીડિયો વાયરલ

અથડામણ દરમિયાન બંને પક્ષના લોકો એકબીજા પર ધોકા અને હથિયારોથી તાબડતોબ હુમલો કરી રહ્યા હોવાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ હિંસક ઘટનામાં મહિલા સહિત ૩ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લામાં અવારનવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી આવી જૂથ અથડામણો સામે આવતાં પોલીસના ડર સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બુધેલ ગામે દોડી ગયો હતો અને શાંતિ જાળવી રાખી હતી. પોલીસે બંને પક્ષોના ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની સાથે વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે રિયાસત અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો