ભાવનગરમાં પથુભા ગોહિલના કસ્ટોડિયલ ડેથ મામલે ક્ષત્રિય સમાજના આંદોલન બાદ હવે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે અને આ મામલે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. મળતી માહિતી મુજબ, સુરતથી પાટીદાર આગેવાન વિજય માંગુકિયા સહિતના વેપારીઓ ભાવનગર પહોંચ્યા હતા. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે આ મામલે સામાજિક વૈમનસ્ય ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પથુભા સહિતના આરોપીઓ સામે અગાઉ જમીન પચાવી પાડવા અને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુના નોંધાયેલા છે, ત્યારે જામીન મેળવવા માટે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

SIT દ્વારા નિષ્પક્ષ તપાસ અને નુકસાન પહોંચાડનારા સામે કાર્યવાહીની માંગ

ભાવનગર પહોંચેલા પાટીદાર આગેવાનોએ રચાયેલી SIT દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ દોષિતો સામે કડક સજાની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત, ઘટનાક્રમ દરમિયાન ફેક્ટરીઓને નુકસાન પહોંચાડવા, ટ્રકો અટકાવવા તેમજ ઊભા પાકને નુકસાન પહોંચાડનારા તત્વો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

કલમ 120 હેઠળ ગુનો નોંધવા SP અને IGને રજૂઆત કરવાની તૈયારી

પાટીદાર આગેવાનોએ સમગ્ર કાવતરામાં સંડોવાયેલા લોકો સામે ભારતીય કાયદાની કલમ 120 હેઠળ ગુનો દાખલ કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) અને રેન્જ IGને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. આગામી સમયમાં પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો : Pavagadh ડુંગર પર વહીવટી તંત્રનું મેગા ચેકિંગ, રૂ. 2.50 લાખની પ્રતિબંધિત પાણી અને સોફ્ટ ડ્રિંકની બોટલો ઝડપાઈ