ભાવનગરમાં નવરાત્રી અને દશેરા જેવા આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મનપાની 2 ખાસ ટીમો બનાવીને શહેરના અલગ-અલગ મુખ્ય વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ શાખાની ટીમોએ કાલાનાળા, નીલમબાગ તેમજ આર.ટી.ઓ. સર્કલ સહિતના વેપારી મથકો પર દરોડા પાડીને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં વ્યાપક ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી.
જલેબી-ફરસાણના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તહેવારોમાં સૌથી વધુ વેચાતી જલેબી અને વિવિધ પ્રકારના ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને યોગ્ય પૃથક્કરણ અર્થે સ્ટેટ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત, વેપારીઓ દ્વારા એકનું એક તેલ વારંવાર વાપરવામાં આવે છે કે નહીં તે ચકાસવા માટે તળવાના તેલમાં TPC (ટોટલ પોલાર કમ્પાઉન્ડ)ની પણ ઓન-ધ-સ્પોટ તપાસ કરવામાં આવી હતી, જેથી દૂષિત તેલના વપરાશ પર રોક લગાવી શકાય.

