ભાવનગર શહેરની મધ્યમાં આવેલી બહુમાળી સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં ગઈકાલે સાંજે સરકારી ફાઈલો સળગાવવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સરકારી આલમમાં મોટો ખળભળાટ મચી ગયો છે. જાહેરમાં સળગાવવામાં આવેલી આ ફાઈલોમાં કોઈ મહત્વપૂર્ણ કે સંવેદનશીલ સરકારી દસ્તાવેજો હતા કે કેમ તે અંગે સ્થાનિકો અને તંત્રમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. સરકારી નિયમો અનુસાર જૂના કાગળો કે ફાઈલોના નિકાલ માટેની ચોક્કસ પ્રક્રિયા હોય છે, પરંતુ તેને બદલે કચેરીના ખુલ્લા ગ્રાઉન્ડમાં જ આ રીતે સળગાવી દેવાતાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ સેવાય રહી છે.
30થી વધુ કચેરીઓ ધરાવતા સંકુલમાં ગંભીર બેદરકારી
ભાવનગરના આ બહુમાળી ભવન સંકુલમાં સમાજ કલ્યાણ વિભાગ, જીએસટી (GST), જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી (DEO) અને પ્રોહિબિશન સહિત 30થી વધુ મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે. આટલી મોટી સંખ્યામાં કચેરીઓ કાર્યરત હોવા છતાં, કઈ ચોક્કસ કચેરી દ્વારા આ ફાઈલો સળગાવવામાં આવી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જાહેરમાં સરકારી ચોપડા અને દસ્તાવેજોને આગ ચાંપી દેવાની ઘટનાએ તંત્રની ગંભીર બેદરકારી અને શંકાસ્પદ કાર્યશૈલી સામે આંગળી ચિંધી છે.
