ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલા સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીના ચકચારી કેસમાં પોલીસે પકડેલા ત્રણ મુખ્ય આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. નામોદાર કોર્ટે સુનાવણી બાદ તમામ ત્રણેય આરોપીઓને જેલહવાલે (જ્યુડિશિયલ કસ્ટડી) મોકલી આપવાનો હુકમ કર્યો છે.
લઠ્ઠાકાંડ બાદ પણ નેટવર્ક સક્રિય રહેતા ચિંતા
પોલીસ રિમાન્ડ પૂરા થતાં જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં મુખ્ય સૂત્રધાર અને રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયાનો સમાવેશ થાય છે. સરકારી ક્વાર્ટરનો દારૂ બનાવવાના અડ્ડા તરીકે ઉપયોગ કરીને બ્રાન્ડેડ દારૂની બોટલોમાં બનાવટી દારૂ ભરી વેચવાના આ કૌભાંડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે.

