ભાવનગરના વરતેજ વિસ્તારમાં 5 લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી રઈસ, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર' અને જુબેર નામના શખ્સો ભેગા મળીને ઝેરી અને ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કારખાનું ચલાવતા હતા.

ભાવનગર લઠ્ઠાકાંડમાં કાળી કમાણીનો ભયાનક ખેલ

17 ઓગસ્ટના રોજ ઝેરી દારૂ બનાવનાર મૃતક નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર'એ પોતે જ બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. ઝેરી કેમિકલ અને મિથેનોલના કારણે તેની તબિયત ક્ષણભરમાં લથડી હતી અને 18 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરીને કુલ 21 બુટલેગરો સામે નામજોગ ગુનો નોંધ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે આ પહેલાં પણ આરોપી ગૌતમ સોલંકીએ આ જ સિન્ડિકેટ સાથે મળીને 51 પેટી જેટલો ડુપ્લીકેટ દારૂ બનાવીને બજારમાં વેચી માર્યો હતો.

ઝેરી દારૂ બનાવનાર 'ડોક્ટર' જ હોમાયો, 21 સામે ગુનો

દારૂ બનાવવા માટેનું મુખ્ય રો-મટીરીયલ અમદાવાદથી ખરીદવામાં આવ્યું હતું. અમદાવાદના સરખેજ અને અન્ય વિસ્તારોમાંથી મિથેનોલ કેમિકલ, દારૂની કાચ-પ્લાસ્ટિકની ખાલી બોટલો, બ્રાન્ડેડ ઢાંકણાં અને લેબલ ટ્રાન્સપોર્ટ મારફત ભાવનગર મંગાવવામાં આવ્યા હતા.હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો અમદાવાદના કેમિકલ સપ્લાયરો અને 21 આરોપીઓની ધરપકડ કરવા માટે રાજ્યવ્યાપી દરોડા પાડી રહી છે.

પોલીસ ચોપડે નોંધાયેલા 21 આરોપીઓ

1. રઈશ 2. ગૌતમ વિરમ સોલંકી  3. સારસ દશરથ સોલંકી 4. જતીન સુરા કાંબડ 5. ગણેશ 6. અમન 7. મનોજ 8. જુબેર 9. નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર (મૃતક) 10. ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહીલ 11. મનદીપસિંહ પૃથ્વિરાજસિંહ ગોહિલ 12. પારસ ઉર્ફે પપ્પુ લાલજી ચુડાસમા 13. અર્જુનસિંહ કાળુભા ગોહિલ 14. સંજય રાવત ચાવડા 15. જયદિપ જીવરાજભાઈ મકવાણા 16. ભાર્ગવ કનેયાલાલ ભટ્ટ 17. વિવેક અરજણ આલગોતર 18. હર્ષ રોહિતભાઈ ચૌહાણ 19. કેવલ ઉર્ફે સાંગા રમેશ સોલંકી 20. સુખદેવ બધાભાઈ સલાડ 21. હાર્દિક બારેયા ઉર્ફે ટીંચો

આ પણ વાંચો: Mehsana: મુક્તા સિનેમામાં શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા, ગર્ભવતી મહિલાના આરોગ્ય સામે ખતરો ઊભો થતાં ભારે વિવાદ સર્જાયો