ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં વર્ષ 2025માં બનેલી રેગિંગની ઘટનાનો વિવાદ ફરી વકર્યો છે. આ રેગિંગમાં સંડોવાયેલા સિનિયર વિદ્યાર્થીઓ સામે અગાઉ કડક શિસ્તભંગના પગલાં ભરીને સજા ફટકારવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ દોષિત વિદ્યાર્થીઓના ભવિષ્ય અને હિતને ધ્યાનમાં રાખીને તેમની સજા માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કુલપતિના આ નરમ વલણ અને સજા માફીના નિર્ણયના કારણે કેમ્પસમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અગાઉ વિદ્યાર્થી સંગઠનો ABVP અને NSUI દ્વારા પણ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી સંગઠનો બાદ હવે સ્ટુડન્ટ એસોસિએશન મેદાને

રાજકીય વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ હવે આ મામલે ખુદ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન પણ મેદાને આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓના અધિકારો અને ન્યાય માટે મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. સંગઠન દ્વારા આ મામલે એક સૂર ઊઠાવીને રેગિંગ કરનારા સિનિયર વિદ્યાર્થીઓની સજા કોઈપણ સંજોગોમાં માફ ન કરવા અને તેને યથાવત રાખવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે એસોસિએશનના પ્રતિનિધિ મંડળે મેડિકલ કોલેજના ડીન સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રેગિંગને ગંભીર મુદ્દો ગણાવી કડક કાર્યવાહીની માંગ

ડીન સમક્ષ રજૂઆત કરતા મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશને જણાવ્યું હતું કે, જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના એ અત્યંત ગંભીર અને માનસિક ત્રાસ આપનારી બાબત કહી શકાય. આવા સંવેદનશીલ મુદ્દા પર દોષિતોને સજા માફી આપવી એ બિલકુલ યોગ્ય નથી અને તેનાથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં અને કોલેજમાં ભયમુક્ત વાતાવરણ જાળવી રાખવા માટે રેગિંગ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. ડીને પણ આ મામલે વિદ્યાર્થીઓની રજૂઆતને ગંભીરતાથી સાંભળી યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો