ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલ્લભીપુરની મુખ્ય બજાર, સ્ટેશન રોડ, રેફરલ હોસ્પિટલ અને વલ્લભી ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત પાટણા, નવાગામ, લોલિયાણા અને ચમારડી તેમજ પાલીતાણાના જકાતનાકા, તળેટી વિસ્તાર અને શેત્રુંજી ડેમ, ઘેટી, હસ્તગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

Rain for the second consecutive day in Bhavnagar

તળાજા અને મહુવામાં મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર

તળાજા તાલુકામાં ગઈકાલે 60 મીમી વરસાદ બાદ સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધામા નાખ્યા હતા. તળાજાની મુખ્ય બજારમાં ધોધમાર વરસાદના કારણે નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. બીજી તરફ મહુવા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હરિપરા, ભાણવડ અને નેસવડમાં સવારથી ઝરમર બાદ બપોરે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. સિહોરના વરલ, થાળા અને બેકડી ગામોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

Rain for the second consecutive day in Bhavnagar

ભાવનગરમાં જનજીવન પ્રભાવિત, ખેડૂતો અને પશુપાલકોમાં હરખ

ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે ભીડભંજન, જશોનાથ, રૂપમ અને કાળાનાળા જેવા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, જોકે રોજિંદી અવરજવર કરતી જનતાને થોડી હાલાકી ભોગવવી પડી છે. સમગ્ર જિલ્લામાં સમયસર પડેલા આ વરસાદને કાચું સોનું ગણાવતાં ખેડૂતો અને પશુપાલકોમાં ભારે આનંદ છવાયો છે. કપાસ તથા મગફળીના પાકને જીવતદાન મળવાની સાથે ઘાસચારાની ચિંતા દૂર થતાં 16 આની વર્ષ થવાની આશા બંધાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો