ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ કરકોલીયા રોડ પર આવેલ એક મકાનમાં તસ્કરોએ ત્રાટકીને મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કરકોલીયા રોડ પર રહેતા કિશનભાઈ પુનાભાઈ ભાસ્કરના બંધ મકાનને નિશાન બનાવીને ચોરો રૂ. 17 લાખથી વધુની મતા ચોરી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સનસનાટીભરી ઘટનાના પગલે સમગ્ર સિહોર પંથકમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે.

રૂ.11 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના ચોરાયા

પ્રાથમિક માહિતી મુજબ, ચોરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તથા કબાટ ફંફોસીને રૂ.11 લાખની રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના દાગીના સેરવી લીધા હતા. દાગીના અને રોકડ મળીને કુલ રૂ.17 લાખથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મકાનમાલિકને ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે, ડોગ સ્ક્વોડ અને CCTV ના આધારે તપાસ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સિહોર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ચોરોનું સુરાગ મેળવવા માટે પોલીસે એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસીને શંકાસ્પદ ઈસમોની ઓળખ મેળવવા અને તસ્કરોને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો