ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે સામસામે ગંભીર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલનો ભુક્કો બોલી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં 1 વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને પીપાવાવ મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ પોલીસે ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી 

બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતાં સ્થાનિકો અને વાહનચાલકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે રસ્તા પર થોડો સમય ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પીપાવાવ મરીન પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો