ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં એક કાળજું કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ફોર-વ્હીલ કાર ચાલકે રસ્તા પરથી ચાલીને જઈ રહેલી ચાર મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી અને ભારે રોષનો માહોલ સર્જાયો હતો.

સંબંધીની ખબર કાઢી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત

સુભાષનગર વિસ્તારમાં આવેલા શંકરના મંદિર પાસેથી ચાર મહિલાઓ પગપાળા પસાર થઈ રહી હતી. આ મહિલાઓ પોતાના સગાં-સંબંધીઓની ખબર-અંતર પૂછીને સુભાષનગરથી ઘરે પરત ફરી રહી હતી, તે જ સમયે કાળ બનીને આવેલી ફોર-વ્હીલ કારના ચાલકે તેમને અડફેટે લીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાઓ રસ્તા પર પટકાઈ હતી.

અકસ્માતમાં 3 મહિલાઓ થઈ ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં ચાર પૈકી ત્રણ મહિલાઓને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓમાં ક્રિષ્નાબેન, જ્યોતિબેન અને શારદાબેનનો સમાવેશ થાય છે. ઘટના બનતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ભાવનગર સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી ખાતે અકસ્માત અંગેની પ્રાથમિક નોંધ કરીને પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો