ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા અને પંથકની જીવાદોરી સમાન ભવસાગર ડેમમાંથી એક અત્યંત ચિંતાજનક દુર્ઘટના સામે આવી છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક વચ્ચે ડેમની જાળવણીમાં મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભવસાગર ડેમના 15 નંબરના ગેટને ઓપરેટ કરતો મુખ્ય વાયર (રેસો) અચાનક તૂટી ગયો હતો, જેના કારણે ભારે વજન ધરાવતો આખો લોખંડી ગેટ ધડાકાભેર નીચે પડીને ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ગેટ તૂટી પડવાના કારણે ડેમમાં સંગ્રહિત પાણી કોઈપણ નિયંત્રણ વગર સીધું નદીના પટમાં વહેવા લાગ્યું છે. આ ઘટનાને કારણે નદીમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને પાણીનો પ્રવાહ ક્ષણે-ક્ષણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
10 ગામોમાં એલર્ટ અને તંત્રની દોડધામ
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે. મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમોએ તુરંત જ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ફ્લડ હોર્ન (સાયરન) વગાડીને લોકોને સાવચેત કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ ગામ તેમજ તેને અડીને આવેલા શિહોર તાલુકાના ભાણગઢ ગામના રહેવાસીઓને વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ તમામ ગામોના સરપંચોને લાઉડસ્પીકર દ્વારા ગ્રામજનોને ચેતવણી આપવા અને જરૂર પડે તો સ્થળાંતરની તૈયારી રાખવા સૂચના અપાઈ છે.
