ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં બાળકો માટે કાળ સાબિત થઈ રહેલો ચાંદીપુરા વાયરસ હવે ગોહિલવાડ પંથકમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે રહેતા એક 9 વર્ષીય બાળકને અચાનક તીવ્ર તાવ, ઉલટી અને મગજના સોજા (એન્સેફેલાઇટિસ) જેવા ગંભીર લક્ષણો જણાતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. બાળકની તબિયત વધુ લથડતા તેને ગત 8 જુલાઈએ તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી. હોસ્પિટલ) ના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં શિફ્ટ કરાયો હતો. જોકે, વાયરસની ગંભીરતા એટલી વધારે હતી કે દાખલ કર્યાના બીજા જ દિવસે એટલે કે 9 જુલાઈએ બાળકે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
મેલાણા ગામમાં આરોગ્ય વિભાગની દોડધામ
બાળકની અંદર ચાંદીપુરા જેવા જ લક્ષણો દેખાતા હોવાથી હોસ્પિટલના તબીબોએ પ્રોટોકોલ મુજબ તેના બ્લડ અને સીરમ સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે પુણે મોકલી આપ્યા હતા. આજે જાહેર થયેલા સત્તાવાર લેબ રિપોર્ટમાં આ બાળકનું મોત ચાંદીપુરા વાયરસના કારણે જ થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગર જિલ્લામાં આ વાયરસથી મોતનો આ પ્રથમ સત્તાવાર કેસ સામે આવતા જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ની ટીમ હરકતમાં આવી છે.
