ભાવનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો નોંધાતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ જેવા જ લક્ષણો ધરાવતા વધુ ત્રણ શંકાસ્પદ બાળકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બાળકોમાં વાયરસના ચિહ્નો જણાતાં જ તબીબોની ટીમ દ્વારા તેમને તાત્કાલિક ધોરણે તબીબી નિરીક્ષણ હેઠળ રાખીને ગંભીરતાપૂર્વક સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
સેમ્પલ ચકાસણી માટે મોકલાયા
દાખલ કરાયેલા ત્રણેય શંકાસ્પદ બાળકોના બ્લડ તેમજ અન્ય જરૂરી સેમ્પલ લેબોરેટરી તપાસ અર્થે લેવામાં આવ્યા છે. વાયરસના નિદાન અંગેની ચોકસાઈ જળવાઈ રહે તે માટે હવેથી માત્ર ગાંધીનગર ખાતરીપૂર્વકની લેબોરેટરીના રિપોર્ટ જ માન્ય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી, તમામ સેમ્પલ્સને ચકાસણી માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.
