ભાવનગરના સરદારનગર વિસ્તારમાં ગેસ એજન્સી ધરાવતા વેપારી પાસેથી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ₹4 લાખની ખંડણી પડાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગેસ રિફિલના કાયદેસરના પૈસા લીધાની દાઝ રાખી આરોપીઓએ વેપારીનું અપહરણ કર્યું હતું અને ગળે છરી ટેકવી ધમકી આપી હતી. ત્યારબાદ અધેવાડાની અવાવરું જગ્યાએ લઈ જઈ પ્રથમ ₹1 લાખ અને પછી ટુકડે-ટુકડે કુલ ₹4 લાખ પડાવ્યા હતા, જે અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, બે દિવસના રિમાન્ડ મંજૂર
આ મામલે માલધારી સોસાયટીમાં રહેતા મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભોડી ભોપાભાઈ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યં હતું અને ઉઠક-બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. બાદમાં આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
