ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં દારૂના સેવન બાદ 6 લોકોની તબિયત અચાનક લથડતાં સ્થાનિક સ્તરે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ તમામ અસરગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 29 વર્ષીય યુવક ઉપેન્દ્રસિંહ ગોહિલનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું.
દારૂના સેવન બાદ 6 લોકોની તબિયત ખરાબ
અન્ય ૫ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબોના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિ સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ લોકોએ સ્થાનિક બૂટલેગર પાસેથી ખરીદેલો દારૂ પીધો હતો, જેના કારણે આ વિપરીત અસર થઈ હતી.ઘટનાની ગંભીરતાને સમજીને ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) નો કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગૌતમ સોલંકી નામના બૂટલેગર દ્વારા મધ્ય પ્રદેશથી લાવેલી 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની બોટલોમાં ડુપ્લીકેટ દારૂ ભરીને લોકોને વેચવામાં આવ્યો હતો.
