ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામના વાડી વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વાડીમાં પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકના સંપર્કમાં આવતાં એક સિંહણનું અકાળે મોત નીપજ્યું છે. મકાઈ સહિતના પાકને વન્યપ્રાણીઓથી બચાવવા માટે વાડીના માલિક દ્વારા રોડ અને ખેતરની ફરતે ગેરકાયદેસર વીજ પ્રવાહ છોડવામાં આવ્યો હતો, જેમાં આવી જતાં સિંહણે જીવ ગુમાવ્યો છે.

એફએસએલ અને વાઇલ્ડ લાઇફ વિભાગની ટીમ સ્થળ પર 

આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા વાઇલ્ડ લાઇફ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ (FSL) ની ટીમને પણ તપાસ અર્થે સ્થળ પર બોલાવવામાં આવી છે. સિંહણના મૃતદેહને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ગેબર સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વન વિભાગની કામગીરી સામે ઊઠ્યા ગંભીર સવાલો 

સૌથી ગંભીર બાબત એ છે કે બોરડી અને આસપાસનો વાડી વિસ્તાર વન્યપ્રાણીઓ અને સિંહોની સતત અવરજવર વાળો વિસ્તાર ગણાય છે. આમ છતાં ત્યાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક ફેન્સિંગ વાયર મૂકવામાં આવ્યા હોવા છતાં વન વિભાગનું કોઈ ધ્યાન ન હતું. સિંહોના સંરક્ષણ માટે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતી વન વિભાગની ટીમ શું કરી રહી હતી તે અંગે સ્થાનિકો અને વન્યપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બેદરકાર જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો