ભાવનગર શહેરમાં નશાકારક અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી બોરતળાવ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કોર્ડિંન કફ સીરપના મોટા જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી કુંભારવાડાની ગોપાલ સોસાયટીમાં રહે છે અને તે ત્યાં ગેરકાયદેસર રીતે આ સિરપનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 'કોર્ડિંન કફ સીરપ' ની 193 નંગ બોટલો જપ્ત કરી છે, જેનો ઉપયોગ યુવાધન નશા તરીકે કરતું હોવાની આશંકા છે.

રૂ. 30,400થી વધુનો મુદ્દામાલ જપ્ત

બોરતળાવ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સફળ રેડ દરમિયાન કુલ રૂ. 30,400થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં પોલીસ સામે એક મોટો ખુલાસો થયો છે. આરોપીએ કબૂલાત કરી છે કે તે માત્ર સ્થાનિક સ્તરે આ જથ્થાનું વેચાણ કરતો હતો, પરંતુ તેને આ કફ સીરપનો મોટો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર કોઈ અન્ય જ વ્યક્તિ છે. પોલીસ દરોડાની ગંધ આવી જતાં આ ગેરકાયદે નેટવર્કનો મુખ્ય સપ્લાયર ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને હાલ તે ફરાર જાહેર કરાયો છે.

સપ્લાયરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

આ મામલે બોરતળાવ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ફરાર થઈ ગયેલા મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને આશા છે કે મુખ્ય સપ્લાયર પકડાતાની સાથે જ ભાવનગરમાં ચાલી રહેલા નશાકારક કફ સીરપના વેચાણના મોટા રેકેટ અને અન્ય સંડોવાયેલા શખ્સોના નામો પણ બહાર આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો