ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહુવામાં આજે સવારથી જ ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ સાંજ પડતાં જ વરસાદનું જોર વધ્યું હતું. સાંજના આશરે 7 વાગ્યાના સુમારે એકરસ થઈને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની ધાંસુ ઇનિંગ શરૂ થતાં જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

સાંજના સમયે ખાબકેલા ભારે વરસાદને કારણે મહુવા ટાઉન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગાંધીબાગ, કુબેરબાગ, સ્ટેશન રોડ, હોસ્પિટલ માર્ગ, કુંભારવાડા, ખાર જાપા અને સ્વામિનારાયણ મંદિર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર, ધરતીપુત્રોમાં ખુશી

શહેરની સાથે સાથે મહુવાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોરદાર આગમન થયું છે. ગ્રામીણ પંથકમાં વરસેલા સારા વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેનાથી ખેડૂતો અને ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો