ભાવનગર જિલ્લાના વરતેજ નજીક આવેલા ઉખરલા ગામના વાડી વિસ્તારમાં એક અત્યંત આશ્ચર્યજનક અને કરુણ ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં અચાનક સર્જાયેલી ભાગદોડ દરમિયાન કૂવામાં પડી જવાથી ત્રણ આશાસ્પદ યુવકોના નીપજેલા મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વાડી વિસ્તારમાં કુલ 11 જેટલા લોકો એકઠા થઈને જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમિયાન પોલીસની રેઇડ પડી હોવાની જાણકારી અથવા અફવા ફેલાતાં જુગાર રમી રહેલા તમામ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ભાગદોડમાં કૂવામાં ખાબકેલા યુવકોના કરુણ મોત

પોલીસથી બચવા કે ગભરાટમાં અંધારામાં ભાગવા જતાં ત્રણ યુવકો અચાનક નજીકમાં આવેલા ઊંડા કૂવામાં ખાબક્યા હતા. કૂવામાં પડવાને કારણે ત્રણેય યુવકોના ગંભીર ઈજાઓ અને પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ ફાટી નીકળ્યો હતો અને મોડી રાત્રે મોટી સંખ્યામાં સ્વજનો તથા ગ્રામજનો હોસ્પિટલ પરિસરમાં એકઠા થઈ ગયા હતા.

મૃતકોના પરિવારજનોનો ગંભીર આક્ષેપ

આ ઘટનાને પગલે ભારે રહસ્ય અને વિવાદ પણ સર્જાયો છે. ઘટના અંગે વરતેજ પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્પષ્ટપણે ઈનકાર કરી રહ્યા છે કે ત્યાં પોલીસ દ્વારા કોઈ જ રેઇડ પાડવામાં આવી નહોતી. બીજી તરફ, મૃતકના પરિવારજનો અને સ્થાનિકો સંગીન આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસની જ રેઇડ પડી હતી અને તે સમયે જ આ દુર્ઘટના આકાર પામી છે. હાલમાં આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો