ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગુનાખોરી ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે પાલીતાણાના સરાણીયા બજાર ચબૂતરા પાસે રહેતા રેશ્માબેન સદામભાઈ પોતાના રહેણાક મકાનમાં જ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના હેતુથી સંતાડીને બેઠા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાતમીવાળા સ્થળે દરોડા પાડ્યા હતા.
દારૂની 855 બોટલ અને 96 બિયર ટીન મળી આવ્યા
પોલીસે શંકાસ્પદ મકાનમાં તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લિશ દારૂની ચપટા બોટલો નંગ 855 તેમજ ટીનના બિયર નંગ 96 મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બિયરનો આસપાસના વિસ્તારમાંથી મોટા પાયે વિદેશી જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે કુલ મળીને રૂપિયા 1,26,417ની કિંમતનો પ્રોહીબિશનનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
