ભાવનગર જિલ્લામાં સરકારી સંસ્થાઓના નામે બોગસ દસ્તાવેજો ઊભા કરીને આર્થિક કૌભાંડ આચરવાનું એક અત્યંત ચોંકાવનારું નેટવર્ક સામે આવ્યું છે. જિલ્લાના પાલીતાણા અને તળાજા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ - APMC) ના બનાવટી લેટરપેડનો ઉપયોગ કરીને ખોટી પેઢીઓ અને બોગસ બેંક એકાઉન્ટ ખોલી રોજ લાખો રૂપિયાના વ્યવહારો કરવાના કૌભાંડનો ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં આ બનાવટી બેંક એકાઉન્ટ્સ મારફતે અંદાજે 2 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખુલ્યું છે. આ મામલે SOG પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે જેલમાં બંધ મુખ્ય સૂત્રધારનો કબજો મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પાલીતાણા અને તળાજા માર્કેટિંગ યાર્ડના નામે આર્થિક કૌભાંડ

કૌભાંડીઓએ પાલીતાણા અને તળાજા માર્કેટિંગ યાર્ડના નામના બનાવટી લેટરપેડ તૈયાર કર્યા હતા અને તેના આધારે બોગસ પેઢીઓ ઊભી કરીને બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.આ કૌભાંડમાં મોટી કંપનીઓના નાણાં આ બનાવટી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. APMC (માર્કેટિંગ યાર્ડ) ના બેંક એકાઉન્ટના નામે વ્યવહાર બતાવીને સરકારને ચૂકવવાપાત્ર TDS ની મોટા પાયે ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2 કરોડ રૂપિયાની હેરફેર થઈ હોવાનો ખુલાસો થયો છે.

બનાવટી લેટરપેડથી ખોટી પેઢી બનાવી TDS ચોરીનો ખેલ

સમગ્ર નેટવર્કની ગંભીરતાને જોતાં ભાવનગર SOG PI દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. આ કૌભાંડ અંગે સૌપ્રથમ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ તળાજા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં રિયાઝ નાથાણી, સુલતાન અલી વેલાણી, દોસ્ત મહમદ વેલાણી અને તળાજાના પ્રોપરાઇટર સાકીર અલી શેખનો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભૂમિકા મહંમદ તકી નામના શખ્સની છે. આરોપી મહંમદ તકી હાલ અન્ય ગુનામાં જેલમાં બંધ હોવાથી તેને ટ્રાન્સફર વોરંટ આધારે પોલીસ કસ્ટડીમાં લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: મકરબા સ્થિત પેલેડિયમ કોર્પોરેટ બિલ્ડિંગમાં આગ; ઓફિસનો સામાન બળીને ખાખ