ભાવનગર શહેરના હૃદયસમા પાનવાડી વિસ્તારમાંથી એક ચિંતાજનક અને દુર્ઘટનાપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાનવાડી સ્થિત જૂની વિજય ટોકીઝ નજીક આવેલું બે માળનું જૂનવાણી અને અત્યંત જર્જરિત મકાન અચાનક જોરદાર ધડાકા સાથે ધરાશાયી થયું છે. મકાન અચાનક પત્તાના મહેલની માફક તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે ધૂળની ડમરીઓ ઊડી હતી અને સ્થાનિક લોકોમાં નાસભાગ તેમજ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કાટમાળ નીચે 2 થી 3 લોકો દબાયા હોવાની આશંકા

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ મકાન ઘણું જૂનું હતું. આજે અચાનક તેનો મોટો હિસ્સો નીચે તૂટી પડ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, મકાન ધરાશાયી થયું તે સમયે અંદર તેમજ તેની આસપાસ બે થી ત્રણ જેટલા લોકો હાજર હતા, જેઓ અચાનક પડેલા કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 એક વ્યક્તિને સુરક્ષિત બહાર કઢાયો

દુર્ઘટના બનતાં જ આસપાસના વેપારીઓ અને રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તંત્રની રાહ જોયા વગર જાગૃત સ્થાનિક લોકોએ પોતાના હાથે જ કાટમાળ હટાવીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ભારે જહેમત બાદ કાટમાળમાં દટાયેલા લોકો પૈકી એક વ્યક્તિને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે.

ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન

બનાવની જાણ થતાં જ ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ફાયર ફાઈટરો દ્વારા આધુનિક સાધનોની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat: RTOમાં લાઈસન્સમાં મોબાઈલ લિંક કરાવવા અરજદારોના કામધંધા છૂટ્યા, કલાકો સુધી લાંબી કતારો!