દેશની ત્રીજા નંબરની અને ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં ધામધૂમથી નીકળે છે. આ ભવ્ય રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે પોલીસ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયો છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ચાવડી ગેટથી હલુરિયા સુધી યોજાઈ વિશાળ રૂટ માર્ચ
સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે ભાવનગર રેન્જ આઇ.જી. રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેયની સીધી આગેવાની હેઠળ શહેરમાં મેગા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ શહેરના સંવેદનશીલ ગણાતા ચાવડી ગેટ વિસ્તારથી શરૂ કરીને હલુરિયા ચોક સુધી યોજાયું હતું. આ રૂટ માર્ચમાં ભાવનગર જિલ્લાના પોલીસ જવાનો ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી બોલાવવામાં આવેલા પોલીસ અધિકારીઓ અને જવાનોનો મોટો કાફલો જોડાયો હતો.
