ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં નીકળનારી પવિત્ર અને ભવ્ય રથયાત્રાને લઈને સ્થાનિક પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી ભાવનગર પોલીસ દ્વારા ગત મોડી રાત્રે એકાએક મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના અલગ-અલગ 5 જેટલા સંવેદનશીલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે આ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
અલગ-અલગ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા શખ્સો ઝડપાયા
પોલીસ કાફલાએ રાત્રિના સમયે શહેરના ખૂણે-ખૂણા અને શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડીને કુલ 156 જેટલા ટપોરીઓ અને અસામાજિક શખ્સોની અટકાયત કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. પકડાયેલા આ 156 વ્યક્તિઓમાં જાહેર માર્ગો પર નશો કરેલી હાલતમાં ફરતા તત્વો, ગેરકાયદેસર ધારદાર હથિયાર રાખીને ફરતા શખ્સો, લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા વોન્ટેડ ગુનેગારો તેમજ વિસ્તારમાં સુલેહ-શાંતિનો ભંગ કરી ભયનો માહોલ ઉભો કરનારા માથાભારે લોકોનો સમાવેશ થાય છે.
