ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે નદી-નાળાં છલકાયા છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેળાવદર-રાજગઢ માર્ગ પરના નાળા ઉપર પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ અત્યંત ઝડપી હોવાથી વાહનચાલકો અને પસાર થતા લોકો માટે મોટો સદંતર ભય ઊભો થયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ભાલ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધો હતો.

વટેમાર્ગુઓને સલામત સ્થળે ખસેડાયા

કોઈ વાહનચાલક કે સાહસિક નાગરિક જોખમ ઉઠાવીને પાણીમાં પ્રવેશવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસે નાળા પાસે જીઆરડી (GRD) જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત, માર્ગ પર અટવાયેલા કે પસાર થઈ રહેલા વટેમાર્ગુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે હોનારત ન સર્જાય.

વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ વાપરવા પોલીસની અપીલ

ભાલ પોલીસ દ્વારા નાગરિકો અને વાહનચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ માર્ગ પર પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી લોકોએ આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળવું. મુસાફરી કરતી વખતે વૈકલ્પિક માર્ગો પસંદ કરવા તેમજ તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરી પોતાની સુરક્ષા જાળવી રાખવા જણાવાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો