ભાવનગર શહેરમાં શેરબજારમાં અનધિકૃત રીતે સ્ટોક ટિપ્સ આપી કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચરનારાઓ સામે સેબી (SEBI) એ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. ભાવનગરના અતિ ધમધમતા આતાભાઈ ચોક વિસ્તારમાં આવેલા ઈવા કોમ્પ્લેક્સ સ્થિત 'ઈકોનો બ્રોકિંગ'ની ઓફિસ પર આજે સેબીની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો.

ભાવનગરમાં SEBIના દરોડા

પ્રાથમિક માહિતી મુજબ, વર્ષ 2023માં ભારે ચર્ચાસ્પદ બનેલા રૂ. 1500 કરોડના માતબર SMS સ્ટોક ટીપ કૌભાંડના કથિત માસ્ટરમાઇન્ડ હનીફ શેખ ઉર્ફે ખાટકી અગાઉથી જ સેબી અને ઈડી (ED) ના રડારમાં હતો. તપાસ દરમિયાન હનીફ શેખ અને તેના નેટવર્કના નાણાકીય તાર ઈકોનો બ્રોકિંગ સાથે જોડાયેલા હોવાની મહત્વપૂર્ણ વિગતો પ્રકાશમાં આવી હતી. સેબીની ટીમે ઈકોનો બ્રોકિંગની ઓફિસમાં પ્રવેશ કરી તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ બંધ કરાવી દીધા હતા અને સીસીટીવી ફુટેજ તેમજ ડિજિટલ પુરાવા કબ્જે કર્યા હતા. છેલ્લા 7 કલાક કરતાં વધુ સમયથી અધિકારીઓની ટીમ ઓફિસમાં હાજર દસ્તાવેજો, ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને સર્વર ડેટાની ઊંડાણપૂર્વક ચકાસણી કરી રહી છે.

સેબીની ટીમ દ્વારા દસ્તાવેજોની સઘન તપાસ જારી

સામાન્ય રોકાણકારોને SMS અને સોશિયલ મીડિયા મેસેજ મારફતે ખોટી અને પ્રમોટેડ સ્ટોક ટિપ્સ આપીને શેરના ભાવ કૃત્રિમ રીતે ઊંચા લઈ જઈ કૌભાંડ આચરવામાં આવતું હતું.ઈકોનો બ્રોકિંગ મારફતે કેટલા કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે અંગે ડિજિટલ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચકાસવામાં આવી રહી છે.દરોડાના અંતે સેબી દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Patan: અમરાપુર ગ્રામ પંચાયતનો VCE 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ACB એ છટકું ગોઠવી કમિશનખોરને જેલભેગો કર્યો