ભાવનગર-રાજકોટ હાઈવે પર સોનગઢ નજીક કારચાલક યુવકો સાથે મહિલા ગ્રામ રક્ષક દળ (GRD) કર્મચારી દ્વારા કરવામાં આવેલી દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે. સંગીતાબેન નામનાં GRD કર્મચારી પર કારચાલક યુવકોને ધોકા વડે માર મારવાનો આરોપ છે. વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મહિલા કર્મચારીને ફરજ પરથી સસ્પેન્ડ કરી ફરજમુક્ત કરવામાં આવ્યાં છે.
કારચાલક યુવકો પર ધોકાથી હુમલાનો આરોપ
પ્રાથમિક વિગતો મુજબ, સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં ભાવનગર-રાજકોટ હાઈવે નજીક આ બનાવ બન્યો હતો. અહીં કારમાં જઈ રહેલા યુવકો પર મહિલા GRD કર્મચારી દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં મહિલા કર્મચારીની વર્તણૂકને લઈને સવાલો ઊભા થયા હતા.
