ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક મોટી ઘટના સામે આવી છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ ક્રૂર રેગિંગનો ભોગ બન્યા છે. આરોપ છે કે, આ જ વિભાગના 6 સિનિયર ડોક્ટરોએ માનવતાની તમામ હદો વટાવીને આ જુનિયર વિદ્યાર્થીઓનું એક-બે દિવસ નહીં, પરંતુ છેલ્લા 5 મહિનાથી અલગ-અલગ પ્રકારે સતત શોષણ અને રેગિંગ ચાલુ રાખ્યું હતું. તબીબી ક્ષેત્રે ભવિષ્ય બનાવવા આવેલા યુવાનો આ સિનિયરોના ત્રાસથી ફફડી ઉઠ્યા હતા.


5 મહિના સુધી અલગ-અલગ પ્રકારે અપાતો હતો ત્રાસ

ભોગ બનનાર જુનિયર તબીબો પાસેથી મળતી વિગતો મુજબ સિનિયર ડોક્ટરો દ્વારા છેલ્લા 5 માસથી તેમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. અલગ-અલગ બહાને તેમને મોડી રાત સુધી હેરાન કરવા, માનસિક ટોર્ચર કરવું અને ધાક-ધમકીઓ આપવી જેવી પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી હતી. ભવિષ્ય બગડવાના ડરે વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરી રહ્યા હતા, પરંતુ અંતે પાણી માથા પરથી જતાં સમગ્ર મામલો કોલેજ પ્રશાસન અને એન્ટી રેગિંગ કમિટી સમક્ષ પહોંચ્યો છે.

સાંજે 5 કલાકે એન્ટી રેગિંગ કમિટીની મહત્વની બેઠક

આ ગંભીર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભાવનગર મેડિકલ કોલેજ તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું છે. સમગ્ર મામલાની તપાસ અને દોષિતોને સજા આપવા માટે આજે જ સાંજે 5 કલાકે એન્ટી રેગિંગ કમિટીના સભ્યોની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. તેમજ ભોગ બનનાર વિદ્યાર્થીઓના નિવેદનો અને પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે. કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ રેગિંગ કરનારા તમામ 6 સિનિયર ડોક્ટરો સામે સસ્પેન્શન કે પોલીસ ફરિયાદ સહિતના કડક અને દાખલારૂપ નિર્ણયો લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: