ભાવનગર જિલ્લાના સિહોરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ફિલ્મી કહી શકાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની જ ઘાતકી હત્યા કરવાનો કારસો રચ્યો હતો. જો કે, હત્યાની આ ગંભીર ઘટનાને અંજામ આપવામાં આવે તે પહેલાં જ સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટી ગયો હતો. સમયસર પ્રેમ પ્રકરણ અને હત્યાના પ્લાનની વોટ્સએપ ચેટ પતિના હાથમાં આવી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો છે.

પ્રેમમાં આડખીલી બનતા પતિની હત્યાનું કાવતરું

સિહોરમાં રહેતા ઇબ્રાહિમ નામના યુવકની પત્ની રશિદાને તોફિક નામના અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ (અફેર) હતો. રશિદા અને તોફિકના આ ગેરકાયદેસર સંબંધો વચ્ચે પતિ ઇબ્રાહિમ આડખીલી બનતો હતો. આથી, પોતાના પ્રેમમાં નડતરરૂપ બનતા પતિને કાયમ માટે રસ્તામાંથી હટાવવા માટે રશિદા અને તેના પ્રેમી તોફિકે મળીને ઇબ્રાહિમની હત્યા કરવાનો એક પદ્ધતિસરનો તખ્તો ગોઠવ્યો હતો.

ગણતરીના કલાકો પહેલા રહસ્ય ખૂલ્યું

આ ખૂની પ્લાન પર પાણી ત્યારે ફરી વળ્યું જ્યારે ઘટનાના ગણતરીના કલાકો પહેલા જ પત્ની અને તેના પ્રેમી વચ્ચે થયેલી ખતરનાક વોટ્સએપ ચેટ પતિ ઇબ્રાહિમના નજરે ચડી ગઈ હતી. ચેટ વાંચતા જ ઇબ્રાહિમ ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેને પોતાની જ હત્યાના ષડયંત્રની ખબર પડી ગઈ હતી. જીવનું જોખમ જણાતા ઇબ્રાહિમે તાત્કાલિક આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ સિહોર પોલીસે ભોગ બનનાર પતિની અરજીના આધારે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપી પત્ની તથા તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો