કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા કુકમા ગામ નજીક આજે એક ભીષણ અકસ્માત સામે આવ્યો છે. કુકમા રેલવે ફાટકની બાજુમાં જ આવેલા એક ઓઇલ ગોડાઉનમાં અચાનક જ કાળઝાળ આગ ફાટી નીકળી હતી. ઓઇલ હોવાને કારણે આગે ક્ષણભરમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળી હતી.

ભુજના કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયંકર આગ

ઓઇલ ગોડાઉનમાં ભયંકર આગ લાગવાના નિર્દેશો મળતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ કચ્છની પધ્ધર પોલીસ ટીમ તેમજ ભુજ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.આગની આ ઘટનાને પગલે કુકમા ગામના ઉપસરપંચ સહિત સ્થાનિક અગ્રણીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

કુકમાના ઉપસરપંચે બનાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સદનસીબે વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા સમયસર કામગીરી હાથ ધરવામાં આવતાં એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે.આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પધ્ધર પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવવો તે મુખ્ય પ્રાધાન્ય છે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનીનો આંકડો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

આ પણ વાંચો: Gandhinagar: ADGP ATS અમિત વિશ્વકર્માને ADGP ANTF નો વધારાનો હવાલો સોંપાયો