આણંદ જિલ્લાના બોરસદ ટાઉન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને નિશાન બનાવી ચોરી આચરતી ગેંગને ડામી દેવા બોરસદ ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ મારુતિ એસ્ટાર કારને આંતરીને તપાસ હાથ ધરી હતી.

કારમાં રેકી કરી બંધ મકાનોમાં ચોરી આચરતી ગેંગ

કારમાં સવાર ચાર શખ્સોની તલાશી લેતાં તેમની પાસેથી ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા તાળા તોડવાના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આ ચારેય શખ્સો કુખ્યાત ચીખલીગર ગેંગના સાગરીતો હોવાનું અને વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરી ચોરી કરવાની યોજના બનાવી રહ્યા હોવાની કબૂલાત કરી હતી. 

મહાવીરનગરની 3 ચોરીનો ઉકેલાયો ભેદ

ઝડપાયેલા આરોપીઓ બલબીરસિંગ ઉર્ફે બલ્લી અને કરણસિંગ ઉર્ફે કાના સહિતના ચારેય સાગરીતોએ બોરસદના મહાવીરનગરમાં આવેલા ત્રણ બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મારુતિ એસ્ટાર કાર મળી કુલ રૂપિયા 98,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

98 હજારનો મુદ્દામાલ કબ્જે

ચીખલીગર ગેંગના આરોપીઓ વિરુદ્ધ અગાઉ કયા કયા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે તે અંગે પોલીસે હિસ્ટ્રી શsheet ખોલી તપાસ શરૂ કરી છે. આ ચોરીના કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. બોરસદ ટાઉન પોલીસે ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: હીરાબાગ નજીક બ્રિજ નીચે ભીષણ આગ, એક્ટિવા બળીને ખાખ, કાપોદ્રા ફાયરે આગ પર મેળવ્યો કાબૂ