બોટાદમાં કથિત રૂ.1 કરોડના 'તોડકાંડ'ના આક્ષેપો મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીન્ટુ કોળી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે કોળી સમાજના એક યુવાનને ગેમિંગ સંબંધિત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી રૂ.1 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન યુવાનને કથિત રીતે માર મારવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના આશરે 20 દિવસ જૂની હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે.
ભાજપના આગેવાનો અને LCB PIના નામજોગ આક્ષેપ
વાયરલ થયેલા વીડિયોમાં આક્ષેપકર્તાએ ભાજપના આગેવાનોના ફોટા દર્શાવવાની સાથે તેમના નામો પણ જાહેર કર્યા છે. જેમાં LCBના PI તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ ડોડિયાની સીધી સંડોવણી હોવાના નામજોગ આક્ષેપો કરવામાં આવ્યા છે. વીડિયોમાં "સબૂત વગર કોઈ વ્યક્તિ બોલતું નથી" તેમ કહીને ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" નિવેદનને ટાંકીને પોલીસ તંત્ર અને સરકારની કામગીરી સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
