બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી જમીન દફતર નિરીક્ષક (સિટી સર્વે) કચેરીમાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોની મોટી સફળતા સામે આવી છે. કચેરીમાં ફરજ બજાવતા મેઇન્ટેનન્સ સર્વેયર શૈલેષભાઈ જાદવ દ્વારા એક અરજદાર પાસે મકાન તથા મિલકત સંબંધિત જરૂરી સરકારી કામગીરી કરી આપવાના બદલામાં ગેરકાયદેસર રીતે રૂપિયા 5,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે જાગૃત નાગરિક તરીકે બોટાદ ACB સમક્ષ સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
બોટાદ એસીબીની ટીમે ગોઠવ્યું સફળ છટકું
નાગરિકની આ સચોટ ફરિયાદના આધારે બોટાદ એસીબીની ટીમે તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગઢડા ખાતે પૂર્વ આયોજનબદ્ધ રીતે એક સચોટ લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું. એસીબીની આ ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન મેઇન્ટેનન્સ સર્વેયર શૈલેષભાઈ જાદવ અરજદાર પાસેથી નક્કી કર્યા મુજબની રૂ.5,000ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
