બોટાદ શહેરમાં ચાલતા ઓનલાઈન ગેમિંગના કરોડો રૂપિયાના કારોબાર અને તેના આધારે આચરવામાં આવતા તોડકાંડનો મુદ્દો હવે રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આ સમગ્ર કૌભાંડ અંગે સીધી રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. બોટાદમાં ઓનલાઈન ગેમિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો બાદ રાજકીય અને સામાજિક સ્તરે ભારે ખળભરાટ મચી ગયો છે.
યુવાનોને ફસાવતું સંગઠિત નેટવર્ક
મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 18થી 20 વર્ષની નાની વયના યુવકોને ઓનલાઈન ગેમિંગની જાળમાં ફસાવતું એક ખૂબ જ મોટું અને સંગઠિત નેટવર્ક સક્રિય છે. આ ઓનલાઈન ગેમિંગના કારોબાર પાછળ વિદેશી સિન્ડિકેટની સંડોવણી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નાની વયના યુવાનો ગેરમાર્ગે દોરાઈને પોતાના નાણાં અને ભવિષ્ય બગાડી રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
