બોટાદ જિલ્લામાંથી આરોગ્ય સાથે ચેડાં કરતા અસમાજિક તત્વો અને બોગસ ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે બોટાદ એસઓજી (SOG) ની ટીમે બરવાળા પંથકમાં દરોડો પાડીને કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ કડક કાર્યવાહીથી ગેરકાયદે પ્રેક્ટિસ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

નટુભાઈ ચૌહાણની દુકાનમાં ચાલતું હતું ગેરકાયદે ક્લિનિક

પ્રાપ્ત વિગતો અનુસાર, બોટાદ SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બરવાળા તાલુકાના નવડા ગામે સરકારી શાળા પાસે આવેલી નટુભાઈ ચૌહાણની દુકાનમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ ચલાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે SOG ની ટીમે સરકારી મેડિકલ ઓફિસરને સાથે રાખીને બાતમીવાળા સ્થળ પર અચાનક દરોડો પાડ્યો હતો.

મૂળ કલકત્તાનો શખ્સ ઝડપાયો, દવાઓ અને ઇન્જેક્શન જપ્ત

તપાસ દરમિયાન દરોડામાં પકડાયેલ આરોપી મૂળ કલકત્તાનો વતની અને હાલ જુના નાવડા ખાતે રહેતો બિકાસભાઈ જગદીશભાઈ પરમાર (ઉં.વ. 39) હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સ પાસે દર્દીઓની સારવાર કરવા માટેની કોઈ પણ અધિકૃત કે માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને દવાઓ આપતો હતો. પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝની બોટલો, સિરિંજ, નીડલ, બીપી મીટર સહિતનો શંકાસ્પદ મેડિકલ સામાન જપ્ત કર્યો હતો.

રૂ.28 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

પોલીસે દરોડા દરમિયાન કુલ અંદાજે રૂપિયા 28,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ SOG PI પી.જી. ડાવરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા બોગસ ડોક્ટર વિરુદ્ધ મેડિકલ ઓફિસરની ઉપસ્થિતિમાં કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય નાગરિકોના જીવ જોખમાતા બચી ગયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો