બોટાદમાં ગત મોડી રાતથી અકસ્માતોની હારમાળા જોવા મળી રહી છે, ત્યારે બોટાદ-તરઘરા રોડ પર વાવની બાજુમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પૂરપાટ ઝડપે આવતી કાર અને બાઇક વચ્ચે ભયાનક ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકને મોટું નુકસાન થયું હતું અને આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જાગૃત નાગરિકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા

અકસ્માત સર્જાતા જ રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને સ્થાનિક જાગૃત નાગરિકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા અને માનવતા દાખવીને ઈજાગ્રસ્તોની મદદ કરવાનું શરૂ કર્યું હતું. લોહીલુહાણ હાલતમાં પડેલા બંને યુવકોને નાગરિકોએ તાત્કાલિક સ્થાનિક વાહનની મદદથી બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નાગરિકોની આ ઝડપી કામગીરીના કારણે ઈજાગ્રસ્ત યુવકોને સમયસર તબીબી સારવાર મળી શકી હતી, જેનાથી તેમની સ્થિતિ વધુ ગંભીર થતાં અટકી હતી.

ઉત્તર પ્રદેશના બે યુવકો ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તોની પ્રાથમિક ઓળખ મોન્ટીભાઈ અને લકીભાઈ તરીકે થઈ છે. આ બંને યુવકો મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલમાં બોટાદના પાળીયાદ રોડ પર આવેલી જીઓ ડેરીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં સબીહા હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે બોટાદ જિલ્લામાં ગત રાતથી અકસ્માતો રોકાવાનું નામ નથી લઈ રહ્યા; ગઢડા તાલુકામાં અકસ્માત બાદ વહેલી સવારે બોટાદ શહેરમાં કારમાં આગ લાગી હતી અને હવે આ ત્રીજો બનાવ બનતાં લોકોમાં ચિંતા છવાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો