બોટાદ જિલ્લાના કાનીયાડ ગામના કોળી સમાજના યુવાનો સાથે પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ સનસનાટીભર્યા આરોપ લગાવતા જણાવ્યું છે કે, પોલીસ દ્વારા કલ્પેશભાઈ મીઠાપરા સહિત ત્રણ યુવાનોને ગેરકાયદે ઉઠાવી જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.
તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ
આ યુવાનો પાસેથી 1 કરોડથી વધુની ખંડણી વસૂલવા દબાણ કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપના એક કદાવર નેતાની સંડોવણી હોવાનો અને આંગડિયા મારફતે 60 લાખ રૂપિયા મેળવી લેવાયા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત યુવાનોને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠકનું આહવાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આગળની રણનીતિ નક્કી કરશે.
