બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સામે અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વેપારી કિરીટસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે, યાર્ડમાં વેપાર ચાલુ રાખવો હોય તો રૂ. 10 લાખ આપવા પડશે તેવી માગ કરવામાં આવે છે. વેપારીઓએ એવો પણ દાવો કર્યો છે કે, ગઇ ટર્મમાં પણ રૂ. 10 લાખ આપવામાં આવ્યા હતા, ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે શું ચેરમેન બદલાય એટલે દરેક નવા ચેરમેનને 10 લાખ રૂપિયા આપવા જરૂરી છે?
વેપારીઓની ન્યાયની માગ અને આંદોલનની ચીમકી
વેપારીઓએ આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને યોગ્ય ન્યાય પૂરો પાડવામાં આવે તેવી ભારપૂર્વક માગ કરી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ચેરમેન ડી. એમ. પટેલનો પક્ષ, આક્ષેપો પાયા વિહોણા અને રાજકીય ષડયંત્ર
બીજી બાજુ, આ તમામ ગંભીર આક્ષેપો અંગે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. એમ. પટેલે તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે. ચેરમેને આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા જણાવ્યું હતું કે, આ આરોપો તદ્દન ગેરવ્યાજબી છે અને યાર્ડની છબી બદનામ કરવા તેમજ સમગ્ર મામલાને રાજકીય રંગરૂપ આપવાનું મોટું ષડયંત્ર છે.

ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી સામે પ્રત્યાઘાત
ચેરમેન ડી. એમ. પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, યાર્ડની અંદર કેટલાક લોકો બિનઅધિકૃત રીતે ગેરકાયદે બેસી ગયા છે. યાર્ડની મંજૂરી વગર થયેલા આ દબાણો અને ગેરકાયદે કબજાને હટાવવાની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના કારણે જ કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા આવા પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ આક્ષેપ અને પ્રતિઆક્ષેપોના કારણે હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડનું રાજકીય અને વેપારી વાતાવરણ ગરમાયું છે.

આ પણ વાંચો: Botad News: કોળી ઠાકોર પરિવાર પર હુમલાથી સમાજમાં રોષ, ન્યાયની માગ સાથે સંમેલન યોજાયું